હું સાવ એકલો છું. મેં જ ચણી છે મારી આસપાસ
ઊંચી ઊંચી દીવાલો. વહાલથી વંચિત રહ્યો છું:
હું જ છું મારી વેદનાનું કારણ.
સંવેદનશૂન્ય મૌનમાં હું કણસ્યા કરું છું.
ક્યારેક મારી દીવાલની ઉપરવટ થઈને જાઉં છું
તો સંભળાય છે મને માનવ કિકિયારીઓ-
ખડખડાટ હસતા રાક્ષસ જેવી.
આ સાંભળીને તરત જ હું ધાબળાની જેમ દીવાલને ઓઢી લઉં છું
આ કાળામસ અંધકારમાં પોઢી જાઉં છું અને
ઘેરાઈ જાઉં છું દુ:સ્વપ્નોના ઓથારથી.
હું વધુ ને વધુ એકલવાયો થતો જાઉં છું.
હું પોતે જ મારા હાથ સાથે હસ્તધૂનન કરું છું.
મારી પાસે સમય પસાર કરવા માટે મારા સિવાય કોઈ નથી.
મારી પાસે ઘડિયાળ છે પણ એના કાંટા ફરતા નથી.
કાળના કાચબા પર બેઠો બેઠો હું
હવે પ્રાર્થનામાંથી ખસી જાઉં છું અને
પ્રતીક્ષા કરું છું કે કશુંક તો બને…
- - - Suresh Dalal
No comments:
Post a Comment