નોરતામાં ઉપવાસ
નવરાત્રિ આવે એટલે મોટા ભાગની બહેનો ઉપવાસ કે એકટાણું કરે છે. આ પાછળનો તેમનો હેતુ ધાર્મિક તો હોય છે જ, પણ તે સાથે ડાયટિંગ પણ થઇ જાય એવી ઈચ્છા અંદરખાને ધરાવતી હોય છે. વળી, રાતે ગરબા રમવા જવાનું તો નક્કી જ હોય. ત્યારે ઘણાંને એસિડિટી, ચક્કર આવવાં જેવી સમસ્યા પરેશાન કરે છે. આવું ન બને અને નવરાત્રિની મજા ન બગડે એ માટે થોડી કાળજી રાખવી સારી...
નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરવા એ જાણે ફેશન બની ગઇ છે. બહેનો ઉપવાસ કે એકટાણું કરે છે અને ઉપવાસ કર્યા પછી પણ ગરબા રમવા તો જવાનું હોય જ. કેટલીક બહેનો નકોરડા (કંઇ પણ ખાધા વિના) ઉપવાસ કરતી હોય છે. આ રીતે ઉપવાસ કરીને તેઓ માને છે કે ડાયટિંગ પણ સાથે થઇ જાય. નવરાત્રિ દરમિયાન વધારે પડતા નકોરડા ઉપવાસ ન કરવા જોઇએ. ધાર્મિક દ્દષ્ટિએ પણ ઉપવાસ કરતાં હો, તો પણ શરીરની જરૂરિયાત પ્રમાણે જોઇતો પોષક ખોરાક તો લેવો જ જોઇએ. ઉપવાસમાં ખાસ ઘ્યાન તો પાણી પીવાનું રાખવું જોઇએ. બહેનો ઉપવાસ કરીને પાછી મોડી રાત સુધી ગરબા રમે એટલે કયારેક લો-સુગર થવાની શકયતા રહે છે. આથી જો તમે પણ નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરતાં હો, તો આહાર અંગે કાળજી રાખવી ઘણી જ જરૂરી છે. જો તમે એકટાણું કરતાં હો, તો સવારે રોટલી, દાળ, ભાત, શાક ખાઇ લેવા અને સાંજે ગરબા રમવા જતાં પહેલાં દૂધ, એકાદ કેળું અથવા કોઇ પણ બે-ત્રણ નંગ ફ્રૂટ ખાઇને જવું. દિવસ દરમિયાન ૧૨-૧૫ ગ્લાસ પાણી પીવું જોઇએ.
સાંજના સમયે ફકત દૂધ અને ફ્રૂટ ન લેતાં દૂધની ખીર, સાબુદાણાની ખીર વગેરે ખાઇ શકાય છે. ઘી વગર ફકત ગોળ(કેમિકલ વિનાના)ની બનાવેલી જુદી જુદી ચિકી જેમ કે, ડ્રાયફ્રૂટ ચિકી, તલની ચિકી, સીંગની ચિકી ખાવાથી પણ શકિત રહે છે. ગરબા રમવામાં સ્ટેમિના જળવાય છે અને શરીર હળવું રહે છે. આ ઉપરાંત, બાફેલાં બટાકાં કે શક્કરિયાં એકાદ નંગ અને દહીં પણ ખાઇ શકાય છે. ઉપવાસ દરમિયાન ઓછામાં ઓછું એક કેળું તો ખાવું જ જોઇએ. દૂધનો માવો અને વધારે પડતી મીઠાઇ ખાવાને બદલે મલાઇ વિનાના દૂધમાંથી પનીર બનાવી તેમાં થોડી ખાંડ ભેળવી, ફ્રૂટ નાખી સંદેશ બનાવીને ખાઇ શકાય. જેથી શકિત મળવાની સાથે વધારાની ચરબીને દૂર રાખી શકાય છે.
દિવસ દરમિયાન છાશ, લીંબુપાણી અને ફળોનો ઉપયોગ બરાબર કરવો જેથી અશકિત ન આવી જાય અને ઉપવાસ પણ થઇ જાય. પાણી વધારે પીવાથી ચહેરા પરની ચમક સારી રહી શકે છે. ફળોનો જયૂસ પીવાથી પણ ચહેરા પરની ચમક જળવાઇ રહે છે. રાતના સમયે વધારે પડતી વેફર્સ અથવા તળેલા ફરાળી નાસ્તા કે મીઠાઇ ખાવાને બદલે પોષક ખોરાક ખાવાનો આગ્રહ રાખવો જોઇએ. જેમ કે, જાતજાતના ફળ અથવા ઓછા તેલવાળી આલુચાટ કે સાબુદાણાની ખીચડી ખાઇ શકાય છે. કોલ્ડ ડ્રિંક્સ પીવાને બદલે ઠંડું પાણી અથવા ફ્રૂટજયૂસ પીવાનું વધારે સારું રહે છે.
નવરાત્રિ દરમિયાન મોટા ભાગે લોકો આખી રાત ગરબા ગાય છે. ઉપવાસ ન કરતાં હો, તો આ દરમિયાન ખોરાક બમણો જ થઇ જાય છે. યુવાન પેઢી તો રાતે મોડેથી સૂઇ જાય છે અને સવારે તો જમવાના સમયે જ જાગે એટલે સવારે નાસ્તો-પાણી કે ફ્રૂટ ખાવાનો મેળ પડતો જ નથી. જમવાનો જ સમય થઇ જાય પછી બપોરના સમયે નાળિયેર પાણી, લીંબુ શરબત વગેરે બરાબર પીવાનું રાખવું. રાતે ગરબા રમ્યા પછી દરેક વ્યક્તિ બહારના નાસ્તા કરવા તરફ વળી જાય છે, પણ તે સમયે જો ખાવાપીવાનું ઘ્યાન રાખવામાં આવે તો વધુ પડતા ગેસ, એસિડિટી વગેરે તકલીફને દૂર રાખી શકાય છે.
જો તમે ઉપવાસ ન કરતાં હો તો પણ ગરબા ગાવા જતાં પહેલા થોડો હળવો ખોરાક ખાવો. જેમ કે, દૂધપૌઆ, દૂધ સીરીયલ અથવા સાદા થેપલાં, દહીં વગેરે ખાઇને થોડા હળવા થઇ જવાથી વધારે સમય ગરબા ગાઇ શકાશે. સાથે પાણી અવશ્ય પીવાનું રાખવું. ગરબા રમવા દરમિયાન પરસેવા દ્વારા શરીરમાંથી ઘણું મીઠું ઓછું થઇ જતું હોય છે.
આવા સમયે ખાંડ-મીઠું નાખેલું લીંબુનું શરબત, શેરડીનો અથવા અન્ય ફળોનો રસ પણ લઇ શકાય. વધુ પડતાં ભજીયાં કે ભાજીપાઉ ખાવાને બદલે ફ્રૂટજયૂસ અથવા કોલ્ડ કોફી પીવા વધુ હિતાવહ છે. રાતે ઘરે આવીને ફકત દૂધ પી લેવાથી પણ સારું રહે છે અને એસિડિટી જેવી સમસ્યાને દૂર રાખી શકાય છે.
ગરબા રમવા એ કસરત જેવુ છે, પણ પોષણ વિનાનો ખોરાક ખાઇને ગરબા રમવાનું યોગ્ય નથી. આખી રાતનો ઉજાગરો કરવા સાથે આડેધડ બહારનું ખાવાથી તબિયત બગડે છે. ગેસ, એસિડિટી, અપચો જેવી તકલીફો કાયમ માટે શરીરમાં ઘર કરી જાય છે. આથી તહેવારોની ઉજવણીમાં સારા કપડાં પહેરીને સુંદર દેખાવાની સાથે બહારના ખોરાકથી બને એટલા દૂર રહેવાનો પ્રયત્ન કરવો જોઇએ. અત્યારે નાના બાળકોમાં સ્થૂળતાનું પ્રમાણ વધી રહ્યું છે. તેનું કારણ પણ મોટાઓએ નાના બાળકોને પાડેલી આડેધડ ખાવાની આદત જ જવાબદાર છે. મા-બાપ જે કરશે તેનું અનુકરણ બાળકો તો કરવાનાં જ. માતા-પિતાએ એક વાત સમજવા જેવી છે કે જો તમે બાળકોને પ્રેમ કરતાં હો, તો તેમને તમારો કિંમતી સમય આપો અને તેમને અડધી રાતે બહાર જમાડવામાં પ્રેમ વધી નથી જતો. તમે તંદુરસ્ત રહો અને બાળકોને તંદુરસ્ત રહેવાનું શિક્ષણ આપો. ગરબામાં તેમને લઇ જતાં પહેલા સવારે જ સમજાવી દો કે જો આજે વ્યવસ્થિત ભોજન કરીશ તો જ સાંજે ગરબા રમવા માટે જવાશે. ગરબા રમવા માટે બાળકોને સાથે લઇ ગયા પછી પણ હળવો ખોરાક જેમ કે, સેન્ડવિચ અથવા ફ્રૂટજયૂસ લેવા માટે જ પ્રેરિત કરો. તળ્યા વિનાના નાસ્તા જેવા કે, ઇડલી-સંભાર, ઢોસા વગેરે સોયાતેલમાં બનાવીને ખાઇ શકાય છે. આ રીતે નવરાત્રિ દરમિયાન તમે ઉપવાસ કરતાં હો કે ન કરતાં હો, સ્ફૂર્તિથી ગરબા રમવા માટે અને તમારી ફિટનેસ જળવાઇ રહે એ માટે ઉપર જણાવેલી બાબતોનો ખ્યાલ રાખવો જરૂરી છે.
|
--
Nishant Gor
Bhuj Kutch
Contact +91 9428220471
www.kachchh.webs.com
www.kutchastronomyclub.blogspot.com
www.nishantgor.blogspot.com
www.kutchtour.blogspot.com
¨`•.•´¨) Always
`•.¸(¨`•.•´¨) Keep
(¨`•.•´¨)¸.•´ Smiling!
`•.¸.•´