Thursday, July 16, 2009

બ્રહ્માંડની સફર કરો તમારા કોમ્પ્યુટરથી

શું તમે ક્યારેય અમાસની કાળી રાતે આકાશમાં તારાઓ અને ગ્રહોના સમૂહને જોયા છે? ક્યારેય એ આકાશને નજીકથી જોવાની, એની ઉંડાઇનો તાગ મેળવવાની ઇચ્છા થઇ છે? દૂર સુદૂર પ્રકાશિત એ કયો ગ્રહ છે કે તારો છે એ તમને ખબર છે? તો અહીં બે ઉપલબ્ધ નાનકડા ઓપન સોર્સ સોફ્ટવેર વિશે આપને જણાવી રહ્યો છું જે આપને આપના કોમ્પ્યુટરમાં આખાય આકાશનો ખૂબ સુંદર ચિતાર તેના ગ્રહો અને તારાઓની ઓળખાણ સાથે આપે છે. જાણે નાનકડું આકાશદર્શન.
સ્ટેલેરીયમ


સ્ટેલેરીયમથી તમે રાત્રીનું આકાશ પૃથ્વી પરના કોઇ સ્થળથી કેવું દેખાશે એ જોઇ શકો છો. સ્ટેલેરીયમ વિન્ડોઝ, મેક તથા લીનક્સ એમ બધી ઓપરેટીંગ સિસ્ટમ માટે ઉપલબ્ધ છે. એક વાર સ્ટેલેરીયમનું ઓપરેટીંગ સિસ્ટમ પ્રમાણેનું યોગ્ય સ્વરૂપ અહીંથી ડાઉનલોડ કરી કોમ્પ્યુટરમાં ઇંસ્ટોલ કરો એટલે તેને શરૂ કરતા પેરીસ, ફાંસના સ્થળ પરથી રાત્રીનું આકાશ કેવું દેખાશે એ જોઇ શક્શો. જો તમે પેરીસમાં હોવ તો કોઇ ફેરફારની જરૂર નથી,


સ્ટેલેરીયમમાં આકાશ

પરંતુ જો તમે પેરીસમાં ન હોવ, મારી જેમ વડોદરાથી આકાશ જોવું હોય તો? સદભાગ્યે એ સગવડ ઉપલબ્ધ છે. તમારું સ્થળ બદલવું અહીં શક્ય છે અને સહેલું છે. આમ કરવા માટે સ્થળ માટેનો વિકલ્પ મુખ્ય મેનુ માં ડાબી તરફ છે અથવા F6 વડે પણ એ વિકલ્પ પસંદ કરી શકાય છે. એ પછી નકશા પર ક્લિક કરીને, કે મુખ્ય સૂચીમાંથી યોગ્ય સ્થળ પસંદ કરીને અથવા આપને જોઇતા સ્થળના કોઓર્ડીનેટ (ડીગ્રી, મિનિટ અને સેકન્ડમાં) ઉમેરી, સ્થળ ઉમેરી શકો છો. જો તમે દિવસે જોતા હોવ અને સમયને આગળ વધારી રાત્રી સુધી લઇ જવો હોય કે આગળના સમય વિશે જોવું હોય તો સમયની ગતિ વધારવાનો વિકલ્પ Increase Time Speed પસંદ કરી ( કીબોર્ડની L કી દબાવી) અથવા સમય પાછો સામાન્ય ગતિએ કરવા Set Normal Time વિકલ્પ પસંદ કરી (કીબોર્ડની K કી દબાવી) ગ્રહોની ગતિ વિશે ફેરફારો કરી શકાય છે. સમય સાથે કામ કરવાનો બીજો પણ એક વિકલ્પ છે. સમય અને તારીખ ઉમેરવા માટે Date/Time Window વાપરી શકાય છે અથવા F5 કી દબાવીને પણ એ વિકલ્પ પસંદ કરી શકાય છે. આ વિકલ્પનો ઉપયોગ કરી કોઇ આકાશી ઘટના જે બનવાની હોય કે બની ચૂકી હોય અને પૃથ્વી પરથી (પસંદ કરેલા સ્થળથી) જોઇ શકાતી હોય તે ઘટના જોઇ શકાય છે. આકાશની વિવિધ વસ્તુઓ પર ક્લિક કરીને તેની વિગતો જોઇ શકાય છે. નીચેના મેનુ માંથી ખગોળીય રેખાઓ તથા અન્ય માહિતિ મળી શકે છે. ( કીબોર્ડની C, V કે R કી એક એક કરીને દબાવો) જો કોઇ અવકાશીય પદાર્થ જોવામાં પૃથ્વી અડચણરૂપ બને તો કીબોર્ડની G કી દબાવીને આપ પૃથ્વીને દેખાતી બંધ કરી શકો છો. આકાશમાં વિવિધ પદાર્થો સુધી પહોંચવુ પણ સરળ છે.. આ માટે માઉસને ક્લિક કરેલું રાખીને આગળ કે પાછળ ખેંચવાથી અવકાશના વિવિધ સ્થળોએ જઇ શકાશે. દ્રશ્યને મોટું કે નાનું કરવા માઉસના સ્ક્રોલ વ્હીલનો (અથવા PgUp / PgDown વિકલ્પનો) ઉપયોગ કરી શકો છો. અન્ય કોઇ પણ મદદ માટે F1 કી દબાવી શકાય છે.
સેલેસ્ટીયા


સેલેસ્ટીયામાં દેખાતા ગ્રહો

અન્ય આવો જ એક સુંદર અવકાશદર્શનનો કાર્યક્રમ બતાવતું સોફટવેર છે સેલેસ્ટીયા. અહીંથી આપ તેને ડાઉનલોડ કરી શકો છો. તે તદન ફ્રી છે અને ઓપન સોર્સ સોફટવેર છે. વળી સ્ટેલેરીયમની જેમ તે પણ વિન્ડોઝ, મેક તથા લીનક્સ એમ બધી ઓપરેટીંગ સિસ્ટમ માટે ઉપલબ્ધ છે. અહીં ઘણાં સુંદર વિકલ્પો છે જેમાં ગ્રહણ શોધ પણ સમાવિષ્ટ છે, જેની મદદથી ફક્ત પૃથ્વી પર સૂર્ય અને ચંદ્રના જ ગ્રહણ નહીં, અન્ય કોઇ પણ ગ્રહ પર થતાં ગ્રહણો જોઇ શકાય છે. ગુરૂના ગ્રહ પર મને આવા ઘણા ગ્રહણ જોવા મળ્યા કારણકે ત્યાં સૂર્યગ્રહણ સામાન્ય ઘટના છે. ગુરૂના ગ્રહ પર ઘણા દિવસો તો એવા છે જ્યારે એકસાથે એકથી વધુ સૂર્ય ગ્રહણ જોવા મળે, માર્ચ 28, 2004ના રોજ હબલ સ્પેસ ટેલીસ્કોપે આવા જ એકસાથે થયેલા ત્રણ સૂર્યગ્રહણ નિહાળ્યા હતાં. આ સોફ્ટવેરમાં એ તારીખ નાખવાથી તેનો ચિતાર મળે છે. સોફ્ટવેર ઇંસ્ટોલ કર્યા પછી D કી દબાવવાથી મૂળભૂત પ્રવાસ અને સમજ મળી રહે છે.

સેલેસ્ટીયા સાથે આપણે અવકાશમાં થઇ ચૂકેલી કે થનારી મહત્વની ખગોળીય ઘટનાઓની માહિતિ મેળવી શકીએ છીએ. સામાન્ય સમય કે સમયની વધારેલી ગતિ સાથે આ ઘટનાઓ સરળતાથી જોઇ શકાય છે. પાંચ લાખ વર્ષો પછી પૃથ્વીની હાલત વિશે જો સેલેસ્ટીયામાં જોવા માંગો તો આવું ચિત્ર જોવા મળશે.

આ સિવાય મૂળ સોફ્ટવેરમાં ન હોય તેવા ઘણા અવકાશી પદાર્થો અને સ્પેસશટલ ઉમેરવા અહીં જઇને જોઇતી વસ્તુઓ ડાઉનલોડ કરી શકાય છે.

ખગોળશાસ્ત્ર વિશે વધુ માહિતિ મેળવવા અને કયા ગ્રહો કે અન્ય ખગોળીય પદાર્થો વર્ષના કે સદીના કયા સમયે જોઇ શકાશે એ વિશે અહીં સુંદર માહિતિ મળી રહે છે. સેલેસ્ટીયા જાણે ઘરમાં એક નાનકડા પ્લેનેટોરીયમની ગરજ સારે છે.

આપને આ લેખ કેવો લાગ્યો, આ સિવાયના આવા કોઇ સોફ્ટવેર વિશે આપને માહિતિ છે? આપના પ્રતિભાવો જરૂરથી જણાવો.

--
Nishant Gor
Bhuj Kutch
Contact +91 9428220471

No comments:

Post a Comment